
અમદાવાદ. ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે મહારાષ્ટ્રમાં જન્મેલા મરાઠી મૂળના નવસારીના સાંસદ સીઆર પાટીલની નિમણૂંકથી ગુજરાતના રાજકારણની તાસીર બદલવાનો મૂડ દેખાઇ રહ્યો છે. વર્ષોથી નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક રહેલા અને તેમનો પડ્યો બોલ ઝીલનારા પાટીલને પક્ષ પ્રમુખ બનાવાતાં ઘણાં નવા સમીકરણો સામે આવી રહ્યાં છે. મોટાભાગના ભાજપના નેતાઓ અને તેમાંય પાટીદાર નેતાઓ સીઆર પાટીલની આ નિમણૂંકને કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ અને પાટીદાર યુવાન હાર્દિક પટેલથી વિપરીત ગણાવે છે. છેલ્લે 1991થી 1996માં કાશીરામ રાણા ભાજપના પ્રદેશ પ્રમુખ પદે હતા. એ પછી 24 વર્ષે ફરી દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ નિમાયા છે.
એજ રીતે 14 વર્ષ પછી પહેલીવાર એવું બનશે કે ભાજપમાં પક્ષ અથવા સરકાર બન્નેના સુકાની તરીકે પાટીદાર નહીં હોય. છેલ્લે 2006માં વજુભાઈ વાળા પ્રદેશ અધ્યક્ષ હતા તથા મુખ્યમંત્રી પદે મોદી હતા. એટલે કે બેમાંથી એકય પદે પાટીદાર નહોતા. ભાજપના સંગઠન અને આરએસએસ સાથે જોડાયેલાં એક નેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યાં મુજબ હાઇકમાન્ડે ખૂબ ગણતરીપૂર્વકના જોખમ સાથે લીધેલું વ્યૂહાત્મક પગલું ગણી શકાય. પાટીલની નિમણૂંક આ પદે થાય તેનો કોઇ અંદાજ ન હતો તેવાં સમયે કઇ જ્ઞાતિ કે પ્રદેશ હાલના રાજકારણમાં હાવિ છે તેનાથી બિલકુલ ભિન્ન જ પસંદગી થઇ છે. શક્ય છે તેના કારણે અમારા પક્ષના પાટીદાર નેતાઓ ખુશ નહીં હોય.
ભાજપના એક પાટીદાર નેતાએ નારાજગી સાથે કહ્યું કે હવે ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાટીદાર ભાજપમાં શિર્ષ સ્થાને ક્યાંય નથી, મુખ્યમંત્રી જૈન છે તો પ્રદેશ અધ્યક્ષ હવે બિન ગુજરાતી. તેના બદલે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ તરીકે રાજકારણમાં સાવ નવા હાર્દિકને મૂક્યો છે. આ બાબતને કારણે આવનારી ચૂંટણીમાં પાટીદારો મતદાતા તરીકે પણ નારાજ થઇ શકે. જો કે અમારે માટે આ નેતૃત્વ સ્વીકારવા સિવાય વિકલ્પ નથી.
સૌથી મોટી પરીક્ષા
સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં જ ગુજરાતમાં આઠ બેઠકો માટે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ તેમની કસોટી થશે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત શહેરી વિસ્તારોમાં લોકોના રોષને ઠંડો પાડીને મતમાં પરિવર્તિત કરવાની જવાબદારી પણ સીઆર પાટીલના શિરે છે.
સૌથી મોટો પડકાર
ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ સી.આર.ના અધ્યક્ષપદે લડશે. 2022 સુધીમાં પાટીલને સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરી પક્ષને દોડતો કરવો પડશે. દક્ષિણ ગુજરાતના સીઆર પાટીલ ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રમાં સક્રિય ન હોવાથી તેમણે અહીં પોતાની સ્વીકૃતિ ઊભી કરવી પડશે. પક્ષ અને સરકારમાં અસંતોષ પણ તેમના માટે પડકાર રહેશે.