સલમાન, કેટરીનાએ ફોટોગ્રાફર બીના કાકનાં પુસ્તકનું વિમોચન કર્યું


 

મુંબઈ – આગામી હિન્દી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’માં ચમકી રહેલાં કલાકારો સલમાન ખાન અને કેટરીના કૈફે બુધવારે જાણીતાં ફોટોગ્રાફર બીના કાકનાં વન્યજીવન અંગેના અંગ્રેજી પુસ્તક ‘સાઈલન્ટ સેન્ટિનલ્સ ઓફ રણથંભોર’નું અહીં તાજ લેન્ડ્સ એન્ડ હોટેલ ખાતે વિમોચન કર્યું હતું.

 

ફોટો-બુકનાં વિમોચન પ્રસંગે સલમાન મજાક-મસ્તીનાં મૂડમાં હતો અને પોતાના સંબોધનમાં એણે અમુક રમૂજી ટિપ્પણી પણ કરી હતી.

સલમાને આ પ્રસંગે કહ્યું કે આ પુસ્તક બહુ જ સરસ છે. એમાંની બધી તસવીરો પુસ્તક માટે રિલીઝ કરાઈ એના ઘણા અગાઉ પોતે એ નિહાળી હતી. બધી જ તસવીરો સર્વોત્તમ અને સુંદર છે.

આ પ્રસંગે સલમાન ખાનના પિતા સલીમ ખાન, સાવકાં માતા હેલન, સ્થાનિક કોંગ્રેસી નેતા બાબા સિદ્દિકી, પ્રિયા દત્ત તથા બીજી અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

બીના કાક રાજસ્થાનનાં ભૂતપૂર્વ પર્યાવરણ, પર્યટન પ્રધાન છે અને સલમાન ખાનનાં પરિવારની નિકટનાં મિત્ર પણ છે.

સલમાને આ પ્રસંગે એમ પણ કહ્યું કે, જ્યારે પણ મારી કોઈ ફિલ્મની રિલીઝ નજીક આવતી હોય છે ત્યારે બીના કાક કોઈક પુસ્તક લખીને લાવે છે. મને તો એ જ સમજાતું નથી કે અમે ‘ટાઈગર ઝિંદા હૈ’નું પ્રમોશન કરી રહ્યાં છીએ કે એમનાં પુસ્તકનું. અગાઉ પણ આવું બન્યું હતું. એ વખતે હું અલી અબ્બાસ ઝફરની સાથે ‘સુલતાન’ ફિલ્મ કરતો હતો. અમે રણથંભોર જવાનું વિચારતા હતા. એ વખતે બીનાએ એક વાઘ ઉપર પુસ્તક બહાર પાડ્યું હતું, એ વાઘનું નામ ‘સુલતાન’ હતું, પરંતુ કોઈક કારણસર એ પ્લાન પાર પડી શક્યો નહોતો. આ વખતે, ‘ટાઈગર ઝિંદા હૈ’ આવી રહી છે અને બીના ફરી આ જ વખતે એમનું પુસ્તક રિલીઝ કરી રહ્યાં છે.

સલમાને બીના કાકને સાંકળતી એક બીજી વાત પણ જણાવી હતી. એણે કહ્યું કે, બીના કાક જ્યારે પણ કોઈ જંગલની મુલાકાત લે છે ત્યારે મારાં જીવનમાં ધમાલ મચી જતી હોય છે. એ દરરોજ મને 50-50 ફોટાં મોકલે અને હું એમને સરસ, ઉત્તમ જેવા જવાબ મોકલું. હું એમને જવાબ આપી આપીને એટલો થાકી જાઉં કે શરૂઆતમાં જવાબમાં ‘વેરી નાઈસ’ લખું પછી એ જવાબ ‘નાઈસ’ થઈ જાય પછી ‘hmm’ અને આખરે માત્ર ‘K’ થઈ જાય.

સલમાન ખાન અને કેટરીના કૈફને ચમકાવતી અને અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મ આવતી 22 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

No votes yet.
Please wait...