વજુભાઇએ ટ્રાન્સફર માંગીઃ મ.પ્રદેશના રાજયપાલ બને તેવી શકયતા


બેંગ્લોર તા.ર૧ : ગુજરાતમાં ભાજપના વિજય બાદ એવી ચર્ચાઓ ચાલી હતી કે કર્ણાટકના ગવર્નર અને રાજકોટના વતની વજુભાઇ વાળાને ગાંધીનગરની ગાદી સોંપવામાં આવશે. અધુરામાં પુરૂ વજુભાઇ વાળાએ પણ રાજભવનના સચિવાલયને જણાવી દીધુ હતુ કે ૧૬મી ડિસેમ્બર સુધીમાં તમામ પેન્ડીંગ ફાઇલોનો નિકાલ કરી દેવામાં આવે પરંતુ લાગતુ નથી કે તેમને ગાંધીનગર બોલાવવામાં આવે પરંતુ હવે એવુ ચર્ચાય છે કે કર્ણાટકમાં હવે ગમે ત્યારે રાજયપાલ બદલાશે. વજુભાઇ વાળાને કર્ણાટકમાં ભાષાની સમસ્યા નડી રહી છે તેથી તેમણે ટ્રાન્સફરની માંગણી કરી હોવાનુ કહેવાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના એક નેતાએ જણાવ્યુ છે કે, વજુભાઇ વાળાએ ખુદ ટ્રાન્સફર માંગી છે પરંતુ તેઓએ મુખ્યમંત્રી પદ માટેની રેસમાં નથી તેવુ જણાવ્યુ છે. ભાજપના વર્તુળોના જણાવ્યા પ્રમાણે વજુભાઇએ કોઇપણ હિન્દી ભાષી રાજયમાં રાજયપાલ બનાવવાની માંગણી કરી છે. તેઓ જયારથી કર્ણાટકના રાજયપાલ બન્યા છે ત્યારથી તેમને ત્યાં ભાષાની સમસ્યા નડી રહી છે અને સ્થાનિક મુદાઓને સમજવામાં તેમને મુશ્કેલી પડી રહી છે તેથી તેમણે હિન્દી ભાષી રાજયમાં પોતાની નિમણુંક કરવા જણાવ્યુ છે. વજુભાઇ વાળા મોદીની નજીક હોવાથી તેમની ટ્રાન્સફરની વિનંતી સ્વીકારી લેવામાં આવી છે.

કેન્દ્રમાં ભાજપના એક નેતાએ જણાવ્યુ છે કે વજુભાઇ વાળાને મધ્યપ્રદેશના રાજયપાલ બનાવવામાં આવે તેવી શકયતા છે. કર્ણાટકમાં પ્રજાસત્તાક દિવસ હોય કે પછી રાજય વિધાનસભાનું સંયુકત સત્ર હોય વજુભાઇએ અંગ્રેજીને બદલે હિન્દીમાં પ્રવચન કર્યુ હતુ જેને લઇને વિવાદો ઉભા થયા હતા. જાહેર સમારોહમાં તેઓ હિન્દી બોલવાનુ પસંદ કરતા હોય છે જેને કારણે કન્નડ તરફી સંગઠનોનો જોરદાર વિરોધ પણ થતો હોય છે. જો કે કર્ણાટકમાં અગાઉ હિન્દી ભાષી રાજયોના રાજયપાલ હતા જેઓ કન્નડ ભાષા જાણતા ન હતા પરંતુ તેઓ અંગ્રેજીમાં ભાષણ કરવાનુ પસંદ કરતા પરંતુ વજુભાઇ વાળા એવા છે જેઓ હિન્દીમાં બોલવાનુ પસંદ કરતા હોય છે.

 

No votes yet.
Please wait...