ટુ જી સ્પેકટ્રમ મહાકૌભાંડના એ રાજા અને કનિમોજી સહિત બધા આરોપીઓ નિર્દોષ જાહેર


નવી દિલ્હી તા. ૨૧: ભારતના ઇતિહાસના સૌથી મોટા અને મનમોહન સરકાર વખતે થયેલા ૧ લાખ ૭૬ હજાર કરોડના ટુ જી સ્પેકટ્રમ કૌભાંડમાં આજે સવારે અહીંની સીબીઆઇ અદાલતે ચોંકાવનારો આંચકો આપી આ કેસના મુખ્ય આરોપીઓ પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા અને કનિમોજી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે. મળતા અહેવાલો મુજબ સરકારી વકીલ અદાલતમાં આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયા હોવાથી કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂકવાનો નિર્ણય લીધો છે. દેશની આઝાદી પછીનું આ સૌથી મોટુેં કૌભાંડ હતું અને આ કૌભાંડમાં અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂકતા દેશ સ્તબ્ધ બની ગયો છે.

અત્રે એ નોંધનીય છે કે, એ રાજા પર ટેલિકોમ મંત્રી પદે રહીને શાહિદ બલવાની કંપની સ્વાન ટેલિકોમને નિયમો નેવે મૂકીને 2G લાયસન્સ આપવાનો આરોપ હતો.

2G સ્પેકટ્રમ કૌભાંડની વાત સૌથી પહેલા ૨૦૧૦માં સામે આવી હતી. વર્ષ ૨૦૧૦માં સીએજી રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ટુજી સ્પેકટ્રમની જે રીતે ફાળવણી કરવામાં આવી તેનાથી દેશને ૧ લાખ ૭૬ હજાર કરોડનું નુકસાન થયું છે. તે સમયે રાજા ટેલિકોમ મિનિસ્ટર હતા.

સીબીઆઈ કોર્ટ ઓકટોબર ૨૦૧૧માં આરોપીઓ સામે છેતરપિંડી, નકલી દસ્તાવેજો બનાવવા, સરકારી પદનો દુરુપયોગ, ગુનાહિત કાવતરું સહિત અનેક કલમો હેઠળ આરોપો નક્કી કર્યા હતા. દોષી જણાવા પર આરોપીઓને ૬ મહિનાની કેદથી લઇ ઉમર કેદની સજા થઈ શકે છે. વર્ષ ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે રાજાના કાર્યકાળ દરમિયાન ફાળવવામાં આવેલા ટૂજી સ્પેકટ્રમના તમામ ૧૨૨ લાયસન્સ રદ કરી દીધા હતા.

એ રાજા અને કનિમોઝી હાલ જામીન પર છે. સીબીઆઈએ એપ્રિલ ૨૦૧૧માં અદાલતમાં આશરે ૮૦૦૦ પેજના ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં ૧૨૫ સાક્ષીઓ અને ૬૫૪ દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સીબીઆઈના પહેલા કેસમાં એ રાજા અને કનિમોઝી સહિત પૂર્વ ટેલિકોમ સેક્રેટરી સિદ્ઘાર્થ બેહુરા અને રાજાના પૂર્વ પર્સનલ સેક્રેટરી પણ આ મામલે આરોપી છે. તેમની સાથે સ્વાન ટેલિકોમના પ્રમોટર્સ, યૂનિટેકના મેનેજિંગ ડિરેકટર, રિલાયન્સના અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રૂપના ત્રણ સીનિયર અધિકારી અને કલૈગ્નર ટીવીના ડિરેકટર પણ આરોપી છે.

 

No votes yet.
Please wait...