Gujarat આ ત્રણ યુવાનો ઉલટાવી શકે છે ભાજપની રાજકીય બાજી !


 

Gujarat માં ૯ અને ૧૪ ડિસેમ્બરના યોજાનારી વિધાનસભાની ચુંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ચુકી છે. પરંતુ આ સમયે છેલ્લા બે દાયકાથી સત્તામાં રહેલા ભાજપ માટે રાહ આસાન દેખાતી નથી. રાજ્યમાં ભાજપ સરકાર વિરુદ્ધ હાલ અનેક મોરચા મંડાયેલા છે. જેમાં એક તરફ સરકાર માટે ૨૦ વર્ષથી વધુ સમય લોકવિરોધી જુવાળ એટલે કે એન્ટી ઇન્કમબન્સીની અસર છે તો બીજી તરફ પાટીદાર અનામત, દારુબંધી,બેરોજગારી અને દલિત અત્યાચાર જેવા મુદ્દાઓ લઈને પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીગ્નેશ મેવાણી ભાજપના રાજકીય સમીકરણને વેરવિખેર કરી નાંખશે તેવો ભય ભાજપને અંદરખાને સતાવી રહ્યો છે. જેમાં હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. તેમજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સહયોગથી વડગામમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા છે.

પાટીદાર અનામત આંદોલનને લઈને આક્રમક બન્યા Hardik Patel
Gujarat છેલ્લા બે વર્ષથી ઓબીસીમાં સમાવેશ કરવાની માંગ સાથે પાટીદારો મેદાનમાં છે. જેમાં આ આંદોલન દરમ્યાન ૧૪ પાટીદાર યુવાન પણ શહીદ થયા છે. જો કે આ દરમ્યાન પાટીદાર નેતા તરીકે હાર્દિક પટેલ પોતાની નવી ઓળખ ઉભી કરી દીધી છે. જેમાં પણ ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં એકત્ર થયેલા ૫ લાખથી વધુ પાટીદારોએ આ માંગને બુલંદ કરી હતી. તેમજ ત્યાર બાદ હાર્દિક પટેલ પર સરકારે કરેલા અસંખ્ય કેસો છતાં તેમણે હજુ આ આંદોલનને અનામત વગર પૂર્ણ નહીં કરવાની જાહેરાત કરી છે.

આમ, જોવા જઈએ તો પાટીદાર અત્યાર સુધી ભાજપની કમિટેડ વોટબેંક રહી છે. પરંતુ પાટીદાર અનામત આંદોલનના લીધે આ ૧૪ ટકા વોટબેંક ભાજપ માટે મુસીબત ઉભી કરી શકે તેમ છે. ગુજરાતની ૧૮૨માંથી ૬૫ થી ૭૦ બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ ઉપરાંત પાટીદારોની ભાજપથી નારાજગીના પગલે વર્ષ ૨૦૧૫માં જીલ્લા પંચાયતની ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં ૧૧માંથી ૮ બેઠક કોંગ્રેસને મળી હતી. તેથી જો ચુંટણી પૂર્વે ભાજપ પાટીદારોની નારાજગી દુર નહીં કરી શકે તો ભાજપને મુસીબતો સામનો કરવો પડશે તે ચોક્કસ છે.

દલિત આંદોલનથી લાઈમ લાઈટમાં આવ્યા જીગ્નેશ મેવાણી

ગુજરાતમાં દલિતોના હક્ક માટે લડતા જીગ્નેશ મેવાણીએ યુવા દલિત નેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે. જીગ્નેશ એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા છે. ઉનામાં ગૌરક્ષાના નામ પર દલિતોને માર મારવાના કિસ્સામાં તેમણે આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જીગ્નેશ મેવાણીએ કામ કર્યું જેનાથી દલિતો વર્ષોથી પીડાતા હતા.

દલિત મુસ્લિમ યુનિટીએ સરકારની ઉંધ ઉડાવી દીધી

અમદાવાદમાં ‘આઝાદી કુચ આંદોલન’ માં જીગ્નેશ મેવાણી એ ૨૦ હજાર દલિતોને એક સાથે મરેલા જાનવર અને મેલું નહીં ઉઠાવવાના શપથ લેવડાવ્યા હતા. જીગ્નેશ મેવાણીના આંદોલનને શાંતિ સાથે સરકારને જોરદાર ઝટકો આપ્યો હતો. આ આંદોલનને સમાજના દરેક વર્ગનું સમર્થન મળ્યું હતું. આ આંદોલનમાં દલિત મુસ્લિમ એકતાનો નજારો પણ જોવા મળ્યો હતો. ગુજરાતમાં કુલ ૭ ટકા દલિત મતદારો છે.

ઓબીસી ચહેરો બન્યા અલ્પેશ ઠાકોર

ગુજરાતમાં એક તરફ જયારે પાટીદારો ઓબીસી અનામતની માંગ કરી રહ્યા હતા તેવા સમયે જ ગુજરાતમાં ઓબીસીના હક્કના રક્ષણ માટે ઠાકોર ક્ષત્રિય સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યા હતા. તેમણે ઓબીસી અનામતના હક્કોના રક્ષણ સાથે ગુજરાતમાં દારૂના વેચાણને બંધ કરાવવા પણ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં તેમણે જનતા રેડ કરીને અમુક દારુના અડ્ડાઓ બંધ કરાવ્યા હતા.તેમજ જેના પગલે સરકારે દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવવાની ફરજ પડી હતી.

આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે ઓબીસી એકતા મંચ બનાવીને રાજ્યની ૧૪૬ ઓબીસી જ્ઞાતિઓને એકત્ર પણ કરી હતી. આ ઉપરાંત તેમણે એક સંમેલનના કહ્યું હતું કે જો સરકાર પટેલોને અનામત આપે તેનો વાંધો નથી પરંતુ ઓબીસીમાં સમાયેલી જાતિઓને કોઈ અન્યાય ના થવો જોઈએ.તેમણે સતત ભાજપ પર પ્રહાર પર કર્યા હતા .

રાજ્યના ૬૬ બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ

અલ્પેશ ઠાકોરે દારુબંધીના કડક અમલ અને બેરોજગારીને પ્રમુખ મુદ્દો બનાવ્યો હતો. અલ્પેશે ગુજરાતમાં ગ્રામીણ સ્તરે ૮૦ જેટલી બેઠકો પર બુથ લેવલ સુધી કામ કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ઓબીસી મતદારો પણ ભાજપ સાથે રહેલા છે. પરંતુ કેટલીક ઓબીસી જાતિઓ ભાજપથી નારાજ છે અલ્પેશ ઠાકોર આ નારાજગીને ભાજપ વિરુદ્ધ ઉપયોગ કરશે તેવી શક્યતા છે.

આમ, હાલના સંજોગોના ગુજરાતના હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર આ ત્રણ યુવાનો ભાજપની રાજકીય બાજી બગાડી શકે તેમ છે.

No votes yet.
Please wait...