
અમદાવાદ: Gujarat Election ને લઈને રાજ્યમાં મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા પોલીસને પ્રોટેક્શન તરીકે સાથે રાખી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે ભાજપના અગ્રણીઓ દ્વારા આ બાબતને નકારી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના વરાછા વિસ્તારમાં ચૂંટણી પ્રચારને લઈને ભાજપની સ્થિતી કફોડી બની રહી છે. ભાજપના કાર્યકરોનો પાટીદારો દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે.
આ સંજોગોમાં ગુરૂવારે સર્જાયેલી માથાકુટ બાદ આજે શુક્રવારે વરાછાની પૂર્વી સોસાયટીમાં પોલીસ રક્ષણ વચ્ચે ભાજપીઓ ડોર ટુ ડોર કેમ્પેઈન માટે નીકળ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યાં હોવાની બાબત બહાર આવી છે.
આ અંગે ભાજપના અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે, અમારા દ્વારા કોઈ પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું નથી, પરંતુ અમારા પ્રચાર દરમિયાન અનાયાશે જ પોલીસની જીપ પેટ્રોલિંગ માટે નીકળી હતી.
પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્યભરમાં પાટીદારોમાં ભાજપ સામે રોષની લાગણી ફેલાણી છે. તેમાય ખાસ કરીને સુરત અને તેમાં પણ વરાછા વિસ્તારમાં પાટીદારોનો રોષ પરાકાષ્ટાએ પહોંચ્યો છે.
જેના કારણે ચૂંટણી સમયે જ સુરતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોની સ્થિતિ કફોડી બની ગઈ છે. રોજે રોજ ‘પાસ’ દ્વારા ભાજપી નેતા અને કાર્યકરોનો વિરોધ થઈ રહ્યો છે.
આ અઠવાડિયાના પ્રારંભથી શરૂ થયેલા ભાજપના ડોર ટુ ડોર અભિયાનમાં મોટા વરાછા વિસ્તારમાંથી અમરોલીના ધારાસભ્યને ‘પાસ’ના કાર્યકરોએ વિરોધ કરી ભગાડ્યા હતા.
આ પછી ગુરૂવારના રોજ સુરતના અમુક વિસ્તારમાં ઈંડા ફેંકાવાની ઘટનાની સાથોસાથ વિરાટનગર સોસાયટીમાંથી ભાજપના કાર્યકરો અને નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી દેવાઈ છે. જયારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ભાજપ સહિતના પક્ષોએ મત માંગવા ન આવવાના બેનર લાગ્યાં છે.
આ સંજોગોમાં આજે શુક્રવારે પોલીસ પ્રોટેક્શન સાથે ભાજપના નેતાઓ-કાર્યકરો પ્રચાર કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હોવાની વાતથી લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે.
પોલીસ પ્રોટેક્શનની વાતને ભાજપે નકારી
વરાછા વિસ્તારના હીરાબાગ નજીક આવેલી પૂર્વી સોસાયટીમાં પોલીસ પ્રોટેક્શન સાથે ભાજપે પ્રચાર કર્યો હોવાની વાતને ભાજપ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર આર. કે. લાઠિયાએ નકારી કાઢતા જણાવ્યું હતું કે, અમે લોકો આજે શાંતિપૂર્ણ રીતે પ્રચાર કરી રહ્યાં હતાં.
લોકોનો પણ સારો આવકાર મળી રહ્યો છે. પરંતુ આ પ્રચાર દરમિયાન આ રોડ ઉપરથી પોલીસની એક પેટ્રોલિંગ વાન પસાર થઈ હતી.
જેથી કેટલાક લોકોને એવું લાગ્યું હોય શકે છે કે, ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. જો કે હકીકતમાં અમારા (ભાજપ) દ્વારા કોઈ જ પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું નથી.