CM મમતા બેનરજી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠકથી નવા રાજકીય સમીકરણ રચાશે!


મુંબઈ : મુંબઈમાં હિન્દુત્વવાદી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને બંગાળના CM, સેક્યુલર પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી વચ્ચે યોજાયેલી બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી રાજકીય ધરી રચાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મુંબઈ અને મહારાષ્ટ્રમાં હિન્દુત્વવાદી રાજકીય પાર્ટી તરીકે શિવસેનાએ પોતાની છાપ પ્રસ્થાપિત કરી છે. આ શિવસેનાના પ્રમુખ ઉદ્ધ‌વ ઠાકરે ગઈકાલે ગુરુવારે મુંબઈમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળીને બેઠક યોજી હતી. આ બેઠકના પગલે મુંબઈ અને મહારાષ્ટ્રના રાજકારણમાં નવી રાજકીય અટકળો શરૂ થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્યની સાથે મુંબઈની એક હોટેલમાં ગુરુવારે બપોરે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળવા માટે ગયા હતા. મમતા બેનરજી અહીં એક હોટેલમાં રોકાયા હતાં.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કટ્ટર વિરોધી છે જયારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની નીતિરીતિઓથી ભારે નારાજ છે. જે તાજેતરના ઉદ્ધવ ઠાકરેના નિવેદનો ઉપરથી સ્પષ્ટ થાય છે.

આ સંજોગોમાં વડાપ્રધાન મોદી અને ભાજપના કટ્ટર વિરોધીએ મુખ્યમંત્રી મમતા બેનરજી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે યોજાયેલી આ મુલાકાતને પગલે નવી રાજકીય ધરી રચાવાની અટકળો વહેતી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ બન્ને નેતાઓ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની નીતિઓ ખાસ કરીને નોટબંધી અને જીએસટી સહિતના મુદ્દે ખૂબ જ આક્રમક શબ્દોમાં મોદી સરકારની ટીકા કરી રહ્યા છે.

વાઈબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટની જેમ જાન્યુઆરીમાં કોલકાતામાં યોજાનારી બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટના અનુસંધાને મમતા બેનરજી ઉદ્યોગપતિઓને મળવા માટે મુંબઈ આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનરજી આજે ઉદ્યોગપતિઓ સાથેની બેઠક બાદ કોલકાતા જવા રવાના થશે.

No votes yet.
Please wait...