PM મોદીએ સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ


 

મોદીએ રન ફોર યુનિટીને બતાવી લીલી ઝંડી

દિલ્હી: ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ (૩૧ ઓક્ટોબર) નિમિત્તે PM નરેન્દ્ર મોદીએ આજે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રન ફોર યુનિટી (એકતા માટે દોડ)ને લીલી ઝંડી પણ બતાવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘અમે સરદાર પટેલને તેમની જન્મ જયંતિ પર નમન કરીએ છીએ. તેમની અપ્રતિમ સેવા અને યોગદાનને ભારત ક્યારેય નહીં ભૂલે.’

નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ૩૧ ઓક્ટોબરે સમગ્ર દેશ “રાષ્ટ્રીય એકતા દિવસ” મનાવે છે.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લેવરાવ્યા હતા કે, “હું સત્યનિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ. અને પોતાના દેશવાસીઓની વચ્ચે આ સંદેશો ફેલાવવાનો સતત પ્રયાસ કરીશ. હું આ શપથ પોતાના દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા એવં કાર્ય સંભવ બનાવવામાં આવશે. હું પોતાના દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાની પણ સત્યનિષ્ઠાનો સંકલ્પ કરું છું.”

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સત્તામાં બેઠેલા લોકોએ સરદાર પટેલના યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે દેશને આઝાદી મળી તે અગાઉ અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

પીએમ મોદીએ કહ્યું કે દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે સરદાર પટેલને ભૂલી જવા પ્રત્યે ચેતવ્યા પણ હતા અને આજે તેમની આત્મા જ્યાં પણ હશે પ્રસન્ન હશે.

સરદાર પટેલ દેશના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી (નાયબ મુખ્યમંત્રી) અને ગૃહ મંત્રી હતા. આઝાદી પછી બસોથી વધુ રજવાડાઓને ભારતમાં ભેળવવાનો શ્રેય સરદાર પટેલને આપવામાં આવે છે.

જો કે આઝાદીના થોડા જ વર્ષો પછી ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ તેમનું અવસાન થયું હતું. ૧૯૯૧માં સરદાર વલ્લભભાઈ પટેલને મરણોપરાંત ‘ભારતરત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

No votes yet.
Please wait...