Gujarat સરકારની વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત, ખેડૂતોને ૧૮ ટકા જીએસટીમાં મુક્તિ


આશા વર્કર્સના પગારમાં સરકારે કર્યો ૫૦ ટકાનો વધારો

અમદાવાદ: Gujarat વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ચોતરફથી ભીંસમાં મૂકાયેલી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયોની જાહેરાત કરવામાં આવી રહી છે. આજે પણ ગુજરાત સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વધુ એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતો જીએસટીમાં રાહત અને આશા વર્કર્સ બહેનોના પગારમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી આશા વર્કર્સ બહેનો વિરોધ કરી રહી હોવા છતાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા તેમના પ્રશ્નો અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં ગુજરાતના રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારો થયા છે. જેના કારણે સત્તાધારી ભાજપ સરકારની ઊંઘ ઉડી ગઈ છે અને ચૂંટણી સમયે ભાજપ સરકાર સફાળી બેઠી થઈ છે.

અત્યાર સુધી આશા વર્કર્સ બહેનોની રજૂઆતો અંગે આંખ આડા કાન કરનારી ભાજપ સરકારને તેમની સાથે પ્રેમ ઉભરાઈ આવ્યો હતો અને તેમના પગારમાં ૫૦ ટકાનો વધારો કર્યો છે.

આ જાહેરાત કરતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ૪૦ હજાર આશા વર્કર બહેનોને સરકારના આ નિર્ણયનો લાભ મળશે, તેમના પગારમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયના કારણે સરકારી તિજોરી પર ૫૮ કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના ખેડૂતો માટે પણ કેટલીક જાહેરાતો કરી છે. જેમાં ૧૮ ટકા જીએસટીમાંથી ખેડૂતોને મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને જીએસટીમાંથી માફી મળશે. આ જાહેરાત કરવા પાછળનો હેતુ રાજ્યમાં ટપક સિંચાઇને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરાયો છે.

ખેડૂતો ઉપરનો માફ કરાયેલો ૧૮ ટકા જીએસટીનો ટેક્સ હવે ગુજરાત સરકાર ભરશે તેમ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા ONGCના કામ માટે અપાતી જમીનના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

શિક્ષકો માટેની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, TET, TAT પાસ કરેલા શિક્ષકોને છૂટા કરવામાં નહીં આવે. આ ઉપરાંત ૧૦ કરતા વધુ વર્ષથી નોકરી કરતાં શિક્ષકોને માન્ય કરવામાં આવશે.

આ ઉપરાંત અન્ય સહાય અંગે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે SC, ST, OBC માટે આવક મર્યાદાને વધારવામાં આવી છે. જેમાં શહેરી વિકાસ માટે આવક મર્યાદા રૂપિયા 1 લાખ 20 હજાર કરવામાં આવી છે. તેમજ સહાય, શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદાને પણ વધારવામાં આવી છે. જે અગાઉ ૪૭ હજાર રૂપિયાની મર્યાદા હતી.

રાજ્યના કર્મચારીઓ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કરાર આધારિત મહિલા કર્મચારીઓની રજામાં વધારો કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત રાજ્યમાં કરાર આધારિત મહિલા કર્મચારીઓને બે પ્રસૂતિ માટે રજા મળશે. જેમાં એક પ્રસૂતિ માટે ૯૦ દિવસનો પગાર મળશે.

આ ઉપરાંત કરાર પૂર્ણ થયાના ૧૫ દિવસમાં ફરી નિમણૂક કરવામાં આવશે. જયારે કરાર આધારિત કર્મચારીઓને પણ અકસ્માત સહાયનો લાભ મળશે. જેમાં સંબંધિત પરિવારને રૂપિયા બે લાખ સુધીની સહાય આપવામાં આવશે.

No votes yet.
Please wait...