નરેન્દ્ર પટેલની ઘટના બાદ BJP એ શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ


ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં બનેલી રાજકીય અફરાતફરીના પગલે પક્ષમાં ડેમેજ કંટ્રોલ કરવા અંગે સોમવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સીએમ વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે બપોરે શાહ અને રૂપાણી વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અને ડેમેજ કંટ્રોલ કરવાના મામલે ચિંતા અને ચિંતન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી નિવાસસ્થાને અમિત શાહ અને વિજય રૂપાણી વચ્ચે યોજાઈ બેઠક

અમિત શાહ અને વિજય રૂપાણીની વચ્ચે મળેલી આ બેઠકમાં મુખ્યત્વે ‘પાસ’ના આગેવાનો વરુણ પટેલ અને રેશમા પટેલની સાથે કેસરિયો ખેસ ધારણ કરનાર નરેન્દ્ર પટેલે શા માટે ફક્ત ત્રણ કલાકમાં ભાજપને ‘રામ રામ’ કરી દીધા હતા.

એટલું જ નહીં નરેન્દ્ર પટેલે ભાજપ (BJP) ઉપર પાટીદારોને ખરીદવાનો આરોપ લગાવીને ૧૦ લાખ રૂપિયા મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો, આ મુદ્દાને જનતામાં કેવી રીતે શાંત કરવો?

આ ઉપરાંત અન્ય ‘પાસ’ અગ્રણી નિખીલ સવાણીએ પણ ભાજપમાંથી રાજીનામું કેમ આપી દીધું? પાટીદારોને ભાજપનો ખેસ પહેરાવવામાં આટલી બધી ઉતાવળ શા માટે થઈ? હાર્દિક પટેલની ટીમને તોડવામાં ક્યાં કાચુ કપાયુ? સહિતના તમામ પ્રશ્નો અંગે ચર્ચા અને ચિંતન કરાયું હતું.

આ ઉપરાંત ગઈકાલે રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોર વચ્ચે થયેલી સમજૂતીના મુદ્દે પણ અમિત શાહ અને વિજય રૂપાણી વચ્ચે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પાટીદાર અગ્રણીઓને ભાજપમાં સમાવેશ કરાવવાનો બાઉન્સ બેક થયેલા મામલે અને પક્ષને વધુ ડેમેજ ન થાય તે માટે કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું તે સહિતના મુદ્દાઓ અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું પક્ષના અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું.

No votes yet.
Please wait...